Connect Gujarat

મૂર્ધન્ય લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવીનું 81 વર્ષની વયે દુ:ખદ નિધન

મૂર્ધન્ય લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવીનું 81 વર્ષની વયે દુ:ખદ નિધન
X

ગુજરાતી ચારણી લોકસાહિત્યને સમગ્ર વિશ્વમાં ધબકતું રાખનાર એવા લોક સાહિત્ય જગતના મૂર્ધન્ય કવિ પદ્મશ્રી કવિ દાદ બાપુએ 81 વર્ષની ઉમરે આજે મોડી રાતે તેમના વતન રાજકોટના પડધરીના ધુનાના ગામે અંતિમ શ્વાસ લેતા સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

૧૨ દિવસ પહેલા જ રિલાયન્સમાં નોકરી કરતા તેમના પુત્ર મહેશદાનનું કોરોનાથી અવસાન થયા બાદ કવિ દાદના પત્નીની પણ અસ્વસ્થ તબિયતને કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારથી કવિ દાદ બાપુની તબિયત અસ્વસ્થ બની હતી, અને તેઓ તેમના જૂનાગઢ નિવાસ સ્થાનેથી પોતાના વતન રાજકોટના ધુનાના ગામે રહેતા હતા, ત્યારે આજે રાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

કવિ દાદએ પિતાનો સાહિત્ય વારસો સંભાળ્યો હતો, તેમના પિતા પ્રતાપદાન ગઢવી નવાબી હુકુમતમાં રાજકવી હતા, ત્યારે તેઓ વેરાવળના ઇશ્વરીયા ગામે રહેતા હતા, કવિ દાદે માત્ર 15 વર્ષની નાની ઉંમરે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું, તેમણે સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, ભગત ગોરો કુંભાર જેવી 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા હતા. કાળજા કેરો કટકો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કૈલાસ કે નિવાસી કવિ દાદની રચનાઓ હતી.

1971માં પાકિસ્તાન યુદ્ધ વખતે તેમણે દાદે બંગાળ બાવની પુસ્તક લખ્યું હતું. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, અને તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ તેમને સન્માનિત કર્યા હતા, તેમને મેઘાણી સાહિત્ય એવોર્ડ, કવિ દુલા કાગ એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ બાદ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની વિદાયથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. આવતીકાલે સવારે ધુનાના ગામે જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ ટ્વિટર માધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી તેમણે લખ્યું "ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે."

https://twitter.com/narendramodi/status/1386849198910238721?s=20

Next Story
Share it